ફીફા વર્લ્ડકપ હવે તેના અંતિમ પડાવમાં પહોંચી ગયો છે. રવિવારે બે બળુકી ટીમો ફ્રાન્સ-આર્જેન્ટીના વચ્ચે ટ્રોફી માટે ફાઈનલ મુકાબલો રમાવાનો છે જ્યારે તેના પહેલાં આવતીકાલે ત્રીજા નંબર માટે મોરક્કો-ક્રોએશિયા વચ્ચે મુકાબલો રમાશે. આ સાથે જ વર્લ્ડકપના ફાઈનલમાં જીતનારી, હારનારી, ત્રીજા-ચોથા નંબરની ટીમને મળનારા ઈનામની ચર્ચા શરૂ થઈ જવા પામી છે. આ વર્લ્ડકપમાં 32 ટીમો વચ્ચે 440 મિલિયન ડોલર મતલબ કે 3585 કરોડ રૂપિયાના ઈનામો વહેંચવામાં આવશે. આ રકમમાંથી ચેમ્પિયન બનનારી ટીમને 347 કરોડ, રનર્સઅપ રહેનારી મતલબ કે બીજા નંબરની ટીમને 248 કરોડ, ત્રીજા નંબરની ટીમને 223 કરોડ અને ચોથા ક્રમની ટીમને 207 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. આવી જ રીતે ભાગ લેનારી દરેક ટીમને 1.24 કરોડ રૂપિયા મળશે. વર્લ્ડકપના ઈતિહાસની સૌથી યાદગાર ગાથાઓમાં મોરક્કોની સફર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. સેમિફાઈનલ પહેલાં આ ટીમે કોઈ વિરોધી ખેલાડીને ગોલ કરવા દીધો નહોતો. સેમિફાઈનલ પહેલાં તેના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જતાં તેણે નુકસાન પણ વેઠવું પડ્યું છે.
ડિફેન્ડર નાયેફ અગેર્દ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો જ્યારે કેપ્ટન રોમાં સાઈસ 21 મિનિટ બાદ જ સ્નાયુ ખેંચાઈ જવાને કારણે બહાર થઈ ગયો હતો. બીજી બાજુ સ્ટેડિયમની અંદર તેના સમર્થકોની સંખ્યા જોઈને લાગી રહ્યું હતું કે જાણે કે મોરક્કોથી જ આખું સ્ટેડિયમ ઉભરાઈ રહ્યું છે. વર્લ્ડકપ સેમિફાઈનલ સુધી પહોંચનારી પહેલી આફ્રિકી ટીમના સમર્થનમાં તેના ચાહકોએ કોઈ જ કસર બાકી રાખી નહોતી. રવિવારે ફીફા વર્લ્ડકપના ફાઈનલમાં આર્જેન્ટીના ટીમની ટક્કર ફ્રાન્સ સામે થવાની છે જેમાં સૌથી નજર આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસ્સી ઉપર ટકેલી રહેશે. મેચ પહેલાં મેસ્સીએ કહ્યું કે આ મારો છેલ્લો વર્લ્ડકપ હોવાથી તેને જીતવા માટે હું સંપૂર્ણ તાકાત લગાવી દઈશ. મેસ્સીએ કહ્યું કે ફીફાની ટ્રોફી ઉઠાવીને હું મારી કારકીર્દિને વિરામ આપવા માંગું છું. આટલું કહીને તે ભાવુક પણ બની ગયો હતો.