મોંઘવારી ઘટવાના સંકેતોને કારણે ગુરૂવારે યુએસ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. 30 કંપનીઓનો અમેરિકન ઇન્ડેક્સ ડાઉ જોન્સ 3 ટકા વધ્યો હતો. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જના નાસ્ડેકમાં 6 ટકા અને એસએન્ડપીમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં ઓક્ટોબર મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. જેના કારણે યુએસ માર્કેટમાં ગત દિવસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અમેરિકાના આ સકારાત્મક સંકેતની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી છે. સેન્સેકસમાં 1000થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. તો નિફટીમાં પણ 300થી વધુ અંકોનો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બેન્ક નિફટીએ પહેલી વખત 42,000ની સપાટી પાર કરી છે.
અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં મોંઘવારી દર ઘટીને 7.7 ટકા પર આવી ગયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં તે 8.2 ટકા હતો. ફુગાવો કેટલાંક વર્ષોના ઉચ્ચ સ્તરે પહોંચવાને કારણે યુએસ સેન્ટ્રલ બેંકે આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરવો પડ્યો છે. હવે ફુગાવાના દરમાં ઘટાડાને કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુએસ સેન્ટ્રલ બેંક તેના વ્યાજ દરોમાં વધારાની ગતિ ધીમી કરી શકે છે. નબળા વૈશ્ર્વિક સંકેતો વચ્ચે ગુરૂવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ હતી.