જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે મકાનોમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી તે જ વિસ્તારના શખ્સને ઝડપી લઇ ચોરાઉ મુદ્દામાલ અને રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ પાર્ક સોસાયટીમાં પ્લોટ નં.60/બી માં રહેતાં અશોકભાઈ આંબલિયા નામના ક્ધસ્ટ્રકશનના વ્યવસાયી યુવાનના મકાનમાં સોમવારે રાત્રિના બે વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને ઘરમાંથી રૂા.14 હજારની રોકડ અને 15 ગ્રામ વજનની રૂા.57,750 ની કિંમતની સોનાની બે બંગડી મળી કુલ રૂા.71,750 ની માલમતા ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં રહેતાં દિલીપભાઈ ભટ્ટના મકાનમાં પણ ત્રસ્કરોએ ત્રાટકીને કબાટમાંથી રૂા.8800 ની કિંમતની સોનાની બુટી, ચાર હજારની કિંમતના ચાંદીના સાંકળા, બે હજારની કિંમતની ચાંદીની કડલી, બે હજારની કિંમતની ચાંદીની બે ગાય અને આઠ હજારની કિંમતની રોકડ સહિત કુલ રૂા.24,800 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.
બનાવની જાણ થતા પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, વિજયભાઈ બળદેવભાઈ કાનાણી, રવિભાઇ ગોવિંદભાઈ શર્મા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન પો.કો.મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને વિપુલ સોનગરાને મળેલી બાતમીના આધારે સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે મનિષ નંદલાલ વિશ્ર્વકર્મા નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી સોનાની બંગડી – 1 જોડી, સોનાની બુટી – 1 જોડી, સોનાની બુટી નાની – 1 જોડી, ચાંદીની ગાય -2 નંગ, ચાંદીની કડલી – 1 નંગ, ચાંદીના સાંકળા – 1 જોડી અને રૂા.22 હજારની રોકડ સહિતની માલમતા કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.