મોરબીમાં ગઈકાલે થયેલી દુર્ઘટનાની બે કલાક પૂર્વે મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતાં પરિવારે બ્રીજનું સંચાલન કરતી ઓફિસના કર્મચારીઓને ચેતવ્યા હતાં કે, બ્રીજ પર કેટલાંક યુવાનો ધીંગામસ્તી કરી રહ્યા છે અને બ્રીજ પર ન થવાનું થઈ રહ્યું છે પરંતુ ઉપસ્થિત કર્મચારીઓએ તેમની અવગણના કરી હતી. જો આ પરિવારની ફરિયાદ પર ધ્યાન આપ્યું હોત તો કદાચ ઘટના ઘટી ન હોત.
મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા વિજયભાઈ ગઈકાલે મોરબીમાં ઘટેલી ગોઝારી દુર્ઘટનાની બે કલાક પહેલાં પરિવાર સહિત ઝુલતા પૂલ ઉપર ગયા હતાં જ્યાં કેટલાંક યુવાનો દ્વારા પૂલને પકડીને એટલી હદે હલાવવાની કોશિશ કરવામાં આવતી હતી કે વૃધ્ધો તથા બાળકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ અંગે તેઓએ પૂલની નજીક આવેલી ઓરેવાની ઓફિસે ઉપસ્થિત કર્મચારીઓને આ અંગે જાણ કરી હતી. પરંતુ, હાજર કર્મચારીઓએ તેમની અવગણના કરી હતી. જો આ અંગે ગંભીરતાથી બ્રીજ પરની હીલચાલને રોકવામાં આવી હોત તો આટલી ગંભીર ઘટી ન હોત.