Monday, December 23, 2024
Homeરાજ્યમોરબીવાસીઓ પર 21 વર્ષે ફરી કહેર, ‘ઝુલતો પુલ બન્યો મોતનો પુલ’

મોરબીવાસીઓ પર 21 વર્ષે ફરી કહેર, ‘ઝુલતો પુલ બન્યો મોતનો પુલ’

- Advertisement -

30 ઓકટોબર એટલે મોરબી માટે ‘બ્લેક-ડે’ સમગ્ર ભારતને હચમચાવી દે તેવી ગુજરાતના મોરબીની ગોઝારી ઘટના ફરી એકવાર કહેર બનીને તૂટી પડી છે. સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેરની શાન સમો ઝુલતો પુલ બન્યો ‘મોતનો પુલ’. ગઇકાલે સાંજે અંદાજે 6:30 કલાકે જ્યારે 400 થી 500 જેટલા વ્યક્તિઓ મોરબીના ઝુલતા પુલ પર ફરવા નિકળ્યા હતાં ત્યારે અચાનક 4 દિવસ પહેલા સમારકામ કરીને ખુલ્લો મુકાયેલો ઝુલતો પુલ તૂટી પડયો અને સાથે-સાથે પુલ પર ફરતાં સહેલાણીઓને પણ સાથે લેતો થયો.

- Advertisement -

અચાનકથી થતી આ દુર્ઘટનાની જાણ થતાં અને ત્યારબાદ બચાવ કામગીરી ચાલુ થતાં સુધીમાં તો કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા કેટલાંય પરિવારો તૂટયા, કેટલાય બાળકો અનાથ થયા, કેટલાંય માતા-પિતાએ પોતાના બાળકો ગુમાવ્યા તો કેટલાંક બાળકોએ પોતાની માતા ગુમાવી છે.

ઘટના સ્થળે અનેક સંસ્થાઓની ટીમ દ્વારા બચા કામગીરી શરૂ કરવામાં આવી અનેક લોકો આ સેવાકાર્યો સાથે જોડાઇને પ્રશાસનની મદદે આવ્યા હતાં. રેસ્કયૂ ઓપરેશન દ્વારા અનેક લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પરંતુ જેમ-જેમ સમય નિકળતો જાય તેમ તેમ મૃત્યુઆંક પણ વધતો જાય છે.

- Advertisement -

આ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરીને વધુ વેગવાન બનાવતા નેવી, એરફોર્સ, આર્મીના જવાનો ફાયર બ્રિગેડની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. બિનસત્તાવાર 190ના મૃત્યુઆંકને પાર કરતી આ ઘટનામાં હાલારના 12 લોકોનો સમાવેશ થાય છે.

જેમાં જામનગર જિલ્લાના 10 અને દ્વારકા જિલ્લાના બે નો સમાવેશ થાય છે. જેમના નામની યાદી આ મુજબ છે. જયાબા ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.55), અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.26), શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.10), ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.7), કિરણબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.24), દેવાંશીબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.6), દેવર્ષિબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.5) જેઓ ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી ગામના છે. ભાણવડના ભૌતિક નટુભાઇ ખાણધર (ઉ.વ. 25), કાલાવડના ખરેડી ગામના બાનવા નસીમાબેન બાપુસા (ઉ.વ.42), બાનવા નવાઝ (ઉ.વ.12), બાનવા તમન્ના (ઉ.વ.9), ભાણખોખરી ગામના હિરેનભાઇ ડાયાભાઇ ચાવડા (ઉ.વર્ષ 20) સહિત હાલારના 12 લોકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પ્રશાસનની બેદરકારી લોકોની અવળચંડાઇ કે પછી કુદરતનો કહેર ? શું કહેવુ એ સમજાય એવું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular