લાલપુર તાલુકાના રીંજપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા પ્રૌઢ અને તરૂણ બન્ને પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગંભીર ઘટનાની વિગત મુજબ, લાલપુર તાલુકાના રીંજપર ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને માલધારીનો વ્યવસાય કરતાં નારુભાઈ નાજાભાઈ ખરા (ઉ.વ.57) અને માલાભાઈ સામતભાઈ ખરા (ઉ.વ.14) નામના બન્ને શનિવારે સવારના સમયે રીંજપર ગામમાં સરધુનાવાડી વિસ્તારમાં ઢોર ચરાવવા ગયા હતાં તે દરમિયાન પાણી ભરેલા ખાડામાંથી ઢોરને સામાકાંઠે લઇ જતા સમયે પ્રૌઢ અને તરૂણ બન્નેના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં. બે વ્યક્તિઓના મોત નિપજ્યાની ઘટનાની જાણ થતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો ત્યારબાદ સ્થાનિક તરવૈયાની મદદથી નારુભાઇ ખરા અને માલાભાઈ ખરા નામના નામના બન્ને વ્યક્તિઓના મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.