વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત અને 17 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થયું છે.ગત 4 ઓક્ટોબરના રોડ દરજીપુરા એરફોર્સ પાસે છકડો રિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યાં હતાં.
આ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કપૂરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતાં પણ આ અંગે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં, જેના પરથી ખ્યાલ આવે કે બસ ઘણી જ સ્પીડમાં હશે અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હશે, જેને કારણે બસનો કુચડો થઈ ગયો છે.