કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા એક ભરવાડ પરિવારના મહિલા સગર્ભા હોય, રસોઈ કરતા દાઝી ગયેલા આ મહિલા બાદ તેણીને અવતરેલી પુત્રીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ કરૂણ બનાવ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા હેમીબેન જેસાભાઈ રાઠોડ નામના 30 વર્ષના ભરવાડ મહિલાને સાતેક માસનો ગર્ભ હતો. દરમિયાન તેણી ગત તા. 29 મીના રોજ સાંજના સમયે પોતાના ઘરે પ્રાયમસ પર રસોઈ બનાવી રહી હતી ત્યારે એકાએક પ્રાયમસમાં આગ લાગતા તેણીને મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર રીતે દાઝી જવાના કારણે તેણે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હિમીબેને ગુરૂવાર તા. 6 ના રોજ સવારના સમયે અંતિમશ્વાસ લીધા હતા.
સગર્ભા રહેલા હિમીબેને ગત બુધવારે પુત્રીને જન્મ આપ્યા બાદ ગુરુવારે આ નવજાત શિશુનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ, માતા પુત્રીના અપમૃત્યુના આ બનાવ અંગે મહિલાના પતિ જેસાભાઈએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ કરૂણ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.