કાલાવડ ગામમાં હીરપરા સ્કુલ સામે રહેતાં દેવીપૂજક પરિવારની બે બાળકીઓ તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. એક સાથે બે બહેનોના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં જામનગર રોડ પર હીરપરા સ્કૂલ સામેના વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા દેવજીભાઈ ચતુરભાઈ દેલવાણિયા નામના શ્રમિક યુવાનની પુત્રી કુંજલબેન (ઉ.વ.11) અને અંજલીબેન (ઉ.વ.9) નામની બન્ને બહેનો મંગળવારે બપોરના સમયે તેના ઘર પાસેના તળાવમાં પડી જતાં બન્ને બાળકીઓ ડૂબવા લાગી હતી. આ અંગેની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક બન્ને બાળકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કમનસીબે બન્ને બાળકીઓના મોત નિપજ્યા હતાં. આ અંગેની જાણ મૃતકની માતા નીરુબેન દ્વારા કરવામાં આવતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ બન્ને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે બે પુત્રીઓના મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.