પાકિસ્તાનમાં આવેલ વિનાશકારી પૂરથી દેશને 28 અબજ ડોલરનું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દીર્ધકાલિન નિર્માણમાં બે થી દસ વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેમ મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
પોસ્ટ ડિઝાસ્ટર નીડ્સ એસેસમેન્ટ (પીડીએનએ) અનુસાર પાકિસ્તાનમાં ગરીબીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જેનાથી સંકેત મળી રહ્યાં છે કે લગભગ 90 લાખથી 1.2 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જઇ શકે છે. પાકિસ્તાનમાં જૂનના મધ્યમાં ભારે વરસાદ પછી ભીષણ પૂર આવ્યું હતું જેમાં 1600થી વધુ લોકોનાં મોત થયા હતાં અને હજારો લોકો ઘાયલ થયા હતાં.
પાકિસ્તાનના અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર જળવાયુ પરિવર્તનને કારણે આવેલ આફતને કારણે 18 થી 20 લાખ નોકરીઓ સમાપ્ત થઇ ગઇ છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વર્તમાન વર્ષમાં ફુગાવો 23 થી 25 ટકા સુધી પહોેંચી શકે છે.
પૂરને કારણે સૌથી વધુ 5.9 અબજ ડોલરનું નુકસાન સિંધ પ્રાંતમાં થયું છે. બલૂચિસ્તાનમાં 3.04 અબજ ડોલરનું નુકસાન થયું છે. પંજાબ પ્રાંતને 0.55 અબજ ડોલર, ખૈબર પુખ્તુન્વાને 0.54 અબજ ડોલર, પાકિસ્તાનના અંકુશવાળા કાશ્મીરમાં 0.02 અબજ ડોલર, ગિલગિટ બાલિસ્તાનમાં 0.03 અબજ ડોલરનું નુકસાન થયું છે.