ઉત્તરપ્રદેશના બદાયૂંની સ્થાનિક કોર્ટે શુક્રવારે એક જ પરિવારના 4 સભ્યોને ફાંસીની સજા સંભળાવી હતી. દોષિતોએ 2017માં યુગલની ઘાતકી હત્યા કરી હતી.જિલ્લા ન્યાયાધીશ પંકજ અગ્રવાલે કિશનપાલ, તેની પત્ની જલધારા અને તેમના પુત્રો રામવીર અને વિજયપાલને ફાંસીની સજા ફટકારી હતી.
મામલાની વિગત પ્રમાણે, ઉરૈના ગામના વતની પપ્પુ સિંહે મે 2017માં ચાર લોકો વિરૃદ્ધ પોતાના પુત્ર ગોવિંદ (24)અને કિશનપાલની પુત્રી આશા (22)ની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, કિશનપાલે પાછળથી કૂહાડીના ઘા મારીને ગોવિંદની હત્યા કરી હતી. જયારે આશા તેને બચાવ્વા માટે કૂદી ત્યારે ચારેય દોષિતોએ તેની પણ હત્યા કરી હતી.
પરિવારે યુગલના મળવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેનાથી બચવા માટે યુગલે દિલ્હી પલાયન કર્યું હતું. યુગલની હત્યા પહેલા દોષિતોએ તેમને દિલ્હીથી લગ્ન કરાવ્વાની લાલચ આપીને બોલાવ્યા હતાં. પાડોશીઓની જુબાનીએ આ ગુનો સાબિત કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. કિશનપાલની ઘરપકડ એ જ દિવસે થઈ હતી જયારે બાકી પરિવારના સભ્યો 2 દિવસ બાદ ઝડપાયા હતાં.