નૈઋત્યનું ચોમાસું હવે તેના વળતા પ્રવાસની તૈયારીમાં છે અને આગામી એક-બે દિવસમાં ગુજરાતમાં અને ચોમાસાના અંતિમ સપ્તાહ પુર્વે દેશભરમાંથી ચોમાસું પાછુ ખેચાઈ જશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચાર માસની નૈઋત્યના ચોમાસાની યાત્રાનો અંત આવી ગયો છે અને રાજસ્થાન, ગુજરાત અને ઉતર પશ્ચિમના ક્ષેત્રોમાંથી ચોમાસુ પરત ખેચાવા લાગશે. જો કે ચોમાસાના અંતે મહારાષ્ટ્રના વિદર્ભ, છતીસગઢ અને પુર્વીય મધ્યપ્રદેશમાં 21-22 સપ્ટે. ઓડીસા-ઉતરી આંધ્રપ્રદેશ અને તેના કિનારાના ક્ષેત્રો પશ્ર્ચિમ બંગાળ તથા ગંગાના મેદાની ક્ષેત્રોમાં તા.21 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉતર-પશ્ચિમ ભારતમાં નીચા હવાના દબાણ વાળા ક્ષેત્રમાં ચક્રવાત વિરોધી સ્થિતિના કારણે આગામી પાંચ દિવસમાં પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં સૂકા હવામાનની સ્થિતિ છે. જેથી ચોમાસુ પરત જવા માટે સાનુકુળ પરિસ્થિતિ બની છે. દેશમાં સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી ચોમાસુ પાછુ ખેચાય છે પણ છેલ્લા થોડા વર્ષોથી ચોમાસાએ તેની વિદાયની પેટર્ન બદલી છે. તા.1 સપ્ટે. બાદ જે રીતે નવી ચોમાસુ સીસ્ટમ બની તેનાથી આ વર્ષે ચોમાસુ વિદાય લેવાની ઉતાવળમાં નહી હોવાના સંકેત મળ્યા હતા. હવામાન ખાતાએ સપ્ટેમ્બર માસના બાકીના દિવસોમાં થનારા સંભવિત વરસાદને ખ્યાલમાં રાખીને ચોમાસુ આ વર્ષે લાંબા ગાળાની સરેરાશ મુજબ 109 % રહેવાની ધારણા દર્શાવી છે.
જો કે દેશના અનેક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ છે. સપ્ટેમ્બર માસમાં સરેરાશ 167.9 મી.મી. વરસાદની શકયતા છે. ચોમાસુ આ વર્ષે મધ્ય ભારતમાં 10 દિવસ મોડુ પહોંચ્યું હતું અને ઉતર પશ્ચિમ ભારતમાંથી વિદાય લેતા 10-15 દિવસ વિલંબ કરશે જેથી રવિપાકને ખાસ કરીને ઉતર ભારતમાં લાભ રહેશે.