જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામમા રહેતા દિનેશ પબાભાઈ ડાંગર એ તેમના મિત્ર સુખદેવસિંહ દાનુભા જાડેજા પાસેથી મિત્રતાના સબંધના દાવે રૂ. 9,ર5,000/- હાથઉછીના લીધા હતા અને દિનેશભાઈ આ રકમ સુખદેવસિંહને અગિયાર માસ માપરત ચુકવી આપશે તેમ બન્ને વચ્ચે સમજુતી અને પ્રોમીસરી નોટનુ લખાણ થયું હતુ. ત્યાર બાદ અગિયાર મહિનાનો સમય પુર્ણ થતા દિનેશભાઈ પુરેપુરા રૂપિયાની સગવડ કરી ન શકેલ હોવાથી સુખદેવસિંહને રૂ. 1,00,000/- ચુકવેલા અને બાકી રહેતી રકમ રૂ. 8ર5000/- ચુકવવા વધુ અગિયાર મહિનાનો સમય માંગેલ અને ફરી પ્રોમીસરી નોટનુ લખાણ બન્ને વચ્ચે કરવામા આવેલ હતુ અને તે સમયે આરોપીએ ફરિયાદી સુખદેવસિંહને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કુલ ત્રણ ચેક આપ્યા હતા.
ત્યાર બાદ ફરિયાદી સુખદેવસિંહને આકસ્મિક નાણાની જરૂરિયાત ઉભી થતા આરોપી દિનેશપાસેથી તેમની કાયદેસરની લેણી રકમની માંગણી કરતા આરોપી દિનેશે રૂ.4,00,000નો ચેક વટાવવા જણાવતા ફરિયાદી સુખદેવસિંહે રૂ. 4,00,000નો ચેક તેના બેંક ખાતામા વટાવવા માટે જમા કરાવતા આરોપી દિનેશભાઈના ખાતામાં અપરતુ ભંડોળ હોવાથી ચેક પરત ફર્યો હતો,જેથી ફરિયાદી સુખદેવસિંહે ચેકની રકમના નાણા ચુકવવા આરોપી દિનેશભાઈને ડિમાન્ડ નોટીસ આપી પંદર દિવસમા તેમની કાયદેસરની લેણી રકમ ચુકવી આપવા જણાવ્યું હતું. જે નોટીસ આરોપીને ધોરણસર બજી ગયેલ છતા આરોપી દિનેશભાઈએ ફરિયાદીની કાયદેસરની લેણી રકમ ન ચુકવતા સુખદેવસિંહે તેમના વકીલ મારફત જામનગરના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ધ નેગોશીએબલ ઈન્સ્ટૂમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરતા કોર્ટ દ્વારા આરોપી વિરૂધ્ધ સમન્સ ઈશ્યુ થયેલ જે સમન્સ આરોપીને બજી ગયા બાદ આરોપી દિનેશભાઈ કોર્ટ સમક્ષ હાજર રહેલ અને ગુનો કબુલ ન હોવાનુ જણાવતા કોર્ટ દ્વારા આગળની ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામા આવી હતી. કોર્ટ ફરિયાદી તરફે રજુ થયેલ પુરાવાનુ મુલ્યાંકન કરી તેમજ ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહય રાખી જામનગરના અગિયારમા એડિ. ચીફ જયુડી. મેજી.ની કોર્ટ દ્વારા આરોપી દિનેશ પબાભાઈ ડાંગરને એક વર્ષની કેદ તથા રૂપિયા ચાર લાખ નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. હુકમ સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી આરોપી વિરૂધ્ધ સજા વોરન્ટ ઈશ્યુ કરવામા આવેલ છે. ફરિયાદી તરફે વકીલ તરીકે ધર્મેશ બી. મકવાણા, મનોજ જે. મકવાણા, નીખીલ વી. ઉપાધ્યાય, રાજીવ કે. વાઘેલા, તથા મોસીન ખારા રોકાયેલ હતા,