જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતા સમયે લોખંડની પટ્ટી તૂટી જતાં ભઠ્ઠી નીચે પડતા મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવાનનું મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના જાયવા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતા આદિવાસી યુવતી એ કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, બિહારના દેવરિયા ગામનો વતની અને જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતો અને ફેસ-3 માં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતા બિપીનકુમાર રામઆશિષ મહતો (ઉ.વ.28) નામનો પરપ્રાંતિત યુવાન ગુરૂવારે સાંજના સમયે હાઇડ્રોલિક ઓઇલ પાઈપ લીકેજ હોવાથી રીપેર કરતો હતો ત્યારે ભઠ્ઠીની લોખંડની પટ્ટી તૂટી જવાથી નીચે કામ કરતા શ્રમિક ઉપર પડતા દબાઇ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની રાહુલ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના જાયવા ગામની સીમમાંં આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાના ખેતરમાં ખેતમજૂરી કામ કરતી રંજુબેન રાકેશ માવી (ઉ.વ.29) નામની આદિવાસી યુવતી એ તેના ખેતરમાં ગુરૂવારે સવારના સમયે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રાકેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.આર. સવસેટા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.