જામનગર તાલુકાના ધુંવાવ ગામ નજીકથી ગઇકાલે સવારના સમયે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો નોંધી દુષ્કર્મ આચર્યાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી અજાણી મહિલાનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યાની કાનજીભાઈ પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અવાવરુ સ્થળેથી નિવસ્ત્ર હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને એલસીબી તથા એસઓજીનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ ટીમે સ્થળ પરથી નિવસ્ત્ર મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ પૂર્વે પોલીસના પ્રાથમિક તારણમાં માથાના ભાગે ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી હતી. દરમિયાન પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું ખુલતા પોલીસ ટીમ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહની સ્થિતિ તથા બનાવસ્થળના નિરીક્ષણના આધારે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું અને ત્યારબાદ હત્યા નિપજાવી લાશને ફેંકી દીધી હોવાની દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં.
તેમજ પોલીસે ગ્રામજનોની પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે જિલ્લામાં કે જિલ્લા બહાર કોઇ 50 થી 60 વર્ષની મહિલા ગુમ થઈ હોય તે અંગેની તપાસ આરંભી હતી. ઉપરાંત આજુબાજુના વાડી વિસ્તારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.