જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં મુખ્ય પોસ્ટ ઓફિસ સામે આવેલી આંગડિયા પેઢીમાં રાત્રી દરમ્યાન તસ્કરોએ લોખંડની જાળીનું તાળુ અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીના લોક તોડી તેમાંથી રૂા.5,00,000 રોકડ રકમની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દરબારગઢ સર્કલમાં આવેલાં સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીકમાં ચાંદી બજાર મુખ્ય પોસ્ટ ઓફિસ સામે આવેલી પટેલ ઇશ્વરલાલ બેચરદાસ નામની આંગડીયા પેઢીમાં રવિવારે રાત્રીથી સોમવારે સવાર સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મુખ્ય જાળીમાં મારેલું તાડુ કાપીને પેઢીના મુખ્ય દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ પેઢીમાં રહેલી તીજોરીનો લોક તોડી નાખી તેમાં રહેલાં પેઢીના હિસાબ પેટેના આશરે 5,00,000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. બીજે દિવસે સવારે આ ચોરીની જાણ થતાં આંગડીયા પેઢીના કર્મચારી હરીસિંગ વાઘેલા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે તાત્કાલીક સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી તસ્કરોની પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.