દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ગઈકાલે સાંજે સગા ભાઈ-બહેનના ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજયાના બનાવે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરાવી છે.
આ કરુણ બનાવવાની પોલીસ સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ ભાણવડના રામેશ્વર વિસ્તારમાં ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં રહેતા ઓસમાણભાઈ કારૂભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર ચંદ્રેશ તથા 11 વર્ષની પુત્રી અંજલીબેન ગઈકાલે સોમવારે સાંજે આશરે ચારેક વાગ્યે આ વિસ્તારમાં આવેલા પાણીના ખાડા બાજુ રમતા-રમતા આ ખાડામાં પડી ગયા હતા. પાણી ભરેલા આ વિશાળ અને ઊંડા ખાડામાં ડૂબી જવાના કારણે ચંદ્રેશ તથા અંજલિના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ બનાવ બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અંજલિ તથા ચંદ્રેશને પાણીની બહાર કાઢી, હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવવાની જાણ ઓસમાણભાઈ કારૂભાઈ રાઠોડએ ભાણવડ પોલીસને કરી છે. બે માસુમ બાળકોના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ પ્રસરાવી દીધો હતો.