ગણપતિ વિસર્જન દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં અનેક દુર્ઘટનાઓ બની છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ગણપતિ પ્રતિમાના વિસર્જન દરમિયાન બનેલી ઘટનાઓમાં કુલ 15 લોકોના મોત થઈ ગયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હરિયાણાના મહેન્દ્રગઢમાં ઝગરોલી કેનાલમાં ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન આઠ લોકો ડૂબી ગયા હતા જેમાંથી 4ના મોત થયા હતા. બીજી તરફ સોનીપતમાં યમુના નદીમાં ડૂબી જવાથી 2ના મોત અને 2 હજુ પણ લાપતા છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સંત કબીર નગરમાં આમી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 4 બાળકો ડૂબી ગયા જે ચારેય ભાઈ-બહેન હતા. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. લલિતપુર અને ઉન્નાવમાં વિસર્જન દરમિયાન ડૂબી જવાથી 2-2 લોકોના મોત થયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સંતકબીર નગરમાં ભાઈ નદીમાં ઉતર્યો તો તે ડૂબવા લાગ્યો તેને બચાવવામા ચક્કરમાં ત્રણ બહેનો પણ પાણીમાં ઉતરી ગઈ હતી. મુંબઈના પનવેલમાં ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન જનરેટર મશીનનો તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્યો હતો. તેમાંથી એક આઈસીયુમાં દાખલ છે. આ ઘટના પનવેલના વાડઘર વિસ્તારમાં એક વિસર્જન દરમિયાન બની હતી. હરિયાણાના મહેન્દ્રગઢ અને સોનીપતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બે દુર્ઘટનાઓ બની હતી. કનીના-રેવાડી રોડ પર આવેલા ઝગડોલી ગામ પાસે કેનાલમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા 9 લોકો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. મોડી રાત્રે 8 લોકોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 4ના મોત થયા હતા. અન્ય 4ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.