ખેડૂતોનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી વધુ એક મહત્વના નિર્ણય વિશે કહ્યું કે, ખેતી પાકના રક્ષણ માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ – કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે.
કૃષિમંત્રીએ નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENER GIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે. મંત્રી રાઘવજીભાઈએ ઉમેર્યું કે, વન્ય – રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન સોલાર પાવર યુનિટ – કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ.2000 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 13,070 ખેડૂત ખાતેદારને વન્ય – રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મંત્રીએ કહ્યું કે, લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.