જામનગર શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોર મામલે મહાનગરપાલિકાએ પોલીસ વિભાગ સાથે મળી કડક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત રખડતા પશુઓના માલિકો વિરૂધ્ધ ફરિયાદની તેમજ જાહેર માર્ગો પર બેરોકટોક ઘાસનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ સંદર્ભે મ્યુ. કમિશનરે ઘાસ વિક્રેતાઓને કડક ચેતવણી આપી હતી.
જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી મુખ્ય માર્ગો પર અબોલ પશુઓના અડીંગાને કારણે વાહનોની અવર-જવરમાં મુશ્કેલી પડતી હતી અને આ પશુઓના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી હતી તેમજ રખડતા પશુઓ દ્વારા શહેરીજનો ઉપર હુમલાની ઘટના ચિંતાજનક રીતે વધતી જતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા મહાપાલિકાના ત્રણ અધિકારીઓની ખાસ નિમણૂંક કરવામાં આવી હતી અને તેમની સાથે આઠ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતાં. શહેરમાં રખડતા પશુઓના માલિકો સામે ફોજદારી ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉપરાંત રખડતા પશુઓ માટે જાહેર માર્ગો પર બેરોકટોક ઘાસનું વેચાણ કરતાં લોકો સામે પણ કડક કાર્યવાહી અંતર્ગત આ વિક્રેતાઓના ઘાસનો જથ્થો મહાપાલિકાની ટીમ દ્વારા કબ્જે કરવામાં આવી રહ્યો છે.
શહેરનાં જુદા-જુદા વિસ્તારો જેવા કે મીગ કોલોની, ખોડીયાર કોલોની, આર્ય સમાજ રોડ, સાધના કોલોની, મારૂ કંસારાની વાડી સહિતના વિસ્તારોમાંથી કુલ 117 પોઇન્ટ પર જામનગર મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. 18 જેટલાં જાહેરમાં ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દંડનીય વસુલાત કરવામાં આવેલ છે.
ર0 જેટલા વિક્રેતાઓ પાસેથી કુલ 100 થી 1ર0 મણ જેટલો ઘાસનો જથ્થો જપ્ત કરી જામનગ મહાનગરપાલિકા સંચાલિત સોનલનગર આઈસોલેશન સેન્ટર અને બેડેશ્ર્વર સ્થિત ઢોરના ડબ્બે આ ઘાસચારો મોકલવામાં આવેલ છે. આગામી સમયમાં પણ જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએમસી એકટ-1949 પરત્વે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, નિયમોનુસાર ઘાસ વિક્રેતાઓ સામે સખત પગલાં લેવામાં આવશે તેમ મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ ચેતવણી આપી હતી.