જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ સામે રોડ પરથી પોલીસે એક ટ્રકમાં લઇ જવાતો રૂા.6 લાખની કિંમતનો 1200 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોર્ડ શહેરમાં દારૂ અને જૂગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સર્વેલન્સ સ્કવોર્ડના હેકો દેવાયત રામાભાઈ કાંબરિયા તથા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજાને હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્કવોર્ડના સબ ઈન્સ્પેકટર એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે માર્કેટીંગ યાર્ડ સામે વોચ ગોઠવી હતી. જે દરમિયાન જીજે-27-એકસ-7420 નામનો એક ટ્રક પસાર થતા પોલીસે આ ટ્રકને અટકાવીને તેની તલાસી લેતા તેમાંથી રૂા.6 લાખની કિંમતની 1200 નંગ અંગે્રજી દારૂની બોટલ મળી આવી હતી. આથી પોલીસે છ લાખનો દારૂનો જથ્થો તેમજ રૂા.3,60,000 ની કિંમતનો ટ્રક કબ્જે કરી ટ્રકના ચાલક ભગીરથરામ શ્રીરામ ગોદારા (રહે. ચંપાબૈરી, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જ્યારે આ કાર્યવાહી દરમિયાન તેની સાથે રહેલા રાહુલ હરીરામ ખીચડ તેમજ મહેશ પુનમારામ કુરાડા નામના બન્ને રાજસ્થાની શખ્સો ફરાર થઈ જતાં પોલીસે આ બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. તમામ આરોપીઓ સામે પ્રોહિબીશન એકટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી પોલીસ ઈન્સ. એમ.જે.લ જલુ તથા પો.સબ. ઈન્સ્પ. એમ.વી. મોઢવાડિયા, હેકો મહિપાલસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુનિલભાઇ ડેર તથા રવિન્દ્રસિંહ પરમાર, શિવરાજસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.