જામનગરના ચકચારી ગુજસીકોટ કેસના આરોપીઓને વધુ એક લપડાક પડી છે. આ કેસમાં જેલમાં રહેલાં ચાર આરોપીઓએ પોતાની સામેનો કેસ પડતો મૂકવા અને જેલમાંથી છોડી મૂકવા રાજકોટ સ્થિત ખાસ અદાલતમાં અરજી કરી હતી. જે અદાલતે ના મંજૂર કરી છે.
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે જમીન પચાવી પાડવા, ધાક-ધમકી આપવા સહિતના સંખ્યાબંધ ગુના નોંધાયા પછી જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની હત્યાના ગુનામાં પણ તેનું નામ ખૂલવા પામ્યું હતું.
જો કે, જયેશ પટેલ દેશ છોડીને નાશી ગયો હતો. આ દરમિયાન વિદેશમાંથી જયેશ પટેલે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી ટોળકી ઉભી કરીને જામનગરના બિલ્ડરો, કારખાનેદારો, વેપારીઓ વગેરેને ધમકાવીને ખંડણી વસૂલવાનું શરૂ કર્યાની ઉઠેલી બુમ વચ્ચે પોણા બે વર્ષ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એસપી દિપન ભદ્રનની જામનગર એસપી તરીકે નિમણૂંક કરાઈ હતી અને તપાસના ધમધમાટ વચ્ચે જયેશ પટેલની ટોળકીના બાર સભ્યો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ મામલે ધરપકડના દૌર વચ્ચે જયેશ પટેલની ગેંગના મનાતા પૂર્વ પોલીસ કર્મી વશરામ ગોવિંદભાઈ મિયાત્રા, શેરબજારના ધંધાર્થી પ્રફુલ્લ પોપટ, બિલ્ડર મુકેશ અભંગી, નિલેશભાઈ ટોલિયા, પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, જીમી આડતીયા સહિતના શખ્સો તેમજ જયેશ પટેલ વતી જમીન અંગે નોટીસ પ્રસિધ્ધ કરાવનાર વકીલ વી.એલ. માનસાતાની ધરપકડ કરાઈ હતી. જે તમામ આરોપીઓને ગુજસીટોક કાયદાની રાજકોટમાં કાર્યરત ખાસ અદાલતે જામનગર, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદની જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
આ દરમિયાન આરોપી પૈકીના બિલ્ડર મુકેશ અભંગી અને શેરબજારના ધંધાર્થી પ્રફુલ્લ પોપટે પોતાની સામે કેસ પડતો મુકવા અને અન્ય આરોપી અનિલ ડાંગરિયા અને અનિલ પરમારે પોતાને આ કેસમાંથી ડિસ્ચાર્જ આપવા રાજકોટની ગુજસીટોકની ખાસ અદાલતમાં માંગણી કરી હતી. તેની સામે સરકારી વકીલ દ્વારા કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે તમામ આરોપીની માંગણી અરજી નકારી કાઢી છે. ઉલ્લેખનિય છે કે, આરોપીઓને આ કેસની દરેક મુદ્તે ફીઝીકલ હાજર રાખવના બદલે આરોપીઓને જે -તે જેલમાંથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરવા માટે તપાસનીશ પોલીસ ટીમે અદાલત સમક્ષ અરજી કરી માંગણી કરતાં થોડા દિવસો પહેલાં જ અદાલતે તમામ આરોપીઓને કેસની તારીખમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રખાવવા અને તે માટે વ્યવસ્થા ગોઠવવા જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેલના તંત્રને જાણ પણ કરી છે.