અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતની સાથે-સાથે એશિયાના પણ સૌથી મોટા ધનકુબેર બની ગયા છે. આજથી થોડા વર્ષો પહેલા ભલે વિશ્ર્વના ગણા લોકો તેમને નહોતા જાણતા પરંતુ હવે સમગ્ર વિશ્વ તેમને જાણે છે. હવે ગૌતમ અદાણીએ નેટવર્થ મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગની ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર એશિયાના પ્રથમ બિઝનેસમેન છે.
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ પ્રમાણે અડાણીએ હવે Louis Vuittonના CEO અને ચેરમેન બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડી દીધા છે. ઈન્ડેક્સ પ્રમાણે અદાણીની નેટવર્થ વધીને હાલમાં 137.4 બિલિયન ડોલર થઈ ચૂકી છે. હવે અડાણી ગ્રુપના ચેરમેન કરતા આગળ માત્ર ટેસ્લાના ઈઊઘ એલોન મસ્ક અને એમેઝોનના ફાઉન્ડર ઝેફ બેઝોસ છે. મસ્કની નેટવર્થ હાલમાં 251 બિલિયન ડોલર છે જ્યારે બેઝોસની પાસે હાલ 153 બિલિયન ડોલર સંપત્તિ છે.
અદાણીની નેટવર્થ તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીના સમયગાળા પછી પણ અદાણીની સંપત્તિમાં સતત વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ટોપ-10 અમીર લોકોની યાદીમાં એકમાત્ર વ્યક્તિ છે જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન અદાણીની નેટવર્થમાં 1.2 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ વર્ષ વિશે વાત કરીએ તો અદાણી માટે તે ખૂબ જ લકી સાબિત થયું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં 60.9 બિલિયન ડોલરનો વધારો થઈ ચૂક્યો છે.
ગૌતમ અદાણીએ બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડવા પહેલા માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને છેલ્લા મહિના પછાડીને આ લિસ્ટમાં ચાથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગેટ્સે ગયા મહિને પોતાની સંપત્તિનો મોટો હિસ્સો સમાજસેવાના કાર્યોમાં દાન કર્યો હતો જેનાથી તેમની નેટવર્થમાં એક જ ઝટકે મોટો ઘટાડો થઈ ગયો હતો. બીજી તરફ અદાણીની કંપનીઓએ શેર બજારને માત આપતા સતત સારું પરફોર્મન્સ કર્યું છે જેનાથી તેમના નેટવર્થમાં વધારો થયો છે. હાલમાં ગેટ્સની નેટવર્થ ઘટીને 117 બિલિયન ડોલર રહી ગઈ છે.