દ્વારકાના સનાતન બસ સ્ટોપ પાસેથી ગઈકાલે ભર બપોરે એક આસામીની રૂપિયા સાડા ચાર લાખની રોકડ રકમ ભરેલી થેલી કોઈ ગઠિયાઓ ચોરી જતા આ બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા બાલુભાઈ ઉર્ફે બાબુ રણધીરભાઈ કરમટા નામના 30 વર્ષના રબારી યુવાન દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બાલુભાઈ કરમટા તથા તેમની સાથેના એક સાહેદ દ્વારા અગાઉ તેમના દ્વારા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી લેવામાં આવેલી ગોલ્ડ લોનની રૂપિયા સાડા ચાર લાખની રકમ દ્વારકાની બેંકમાં ભરપાઈ કરવા માટે ગઈકાલે ગુરુવારે લાંબા ગામેથી દ્વારકા પહોંચ્યા હતા. ત્યારે બપોરના આશરે 1:30 વાગ્યાના સમયે દ્વારકામાં સનાતન બસ સ્ટોપ પાસે પહોંચતા બાલુભાઈ સાથે આવેલા યુવાનને મોબાઇલમાં ફોન આવતા તેઓ મોટરસાયકલ ઊભી રાખીને ફોનમાં વાત કરતા હતા, તે દરમિયાન મોટરસાયકલમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની એક થેલીમાં રહેલી રૂપિયા સાડા ચાર લાખની રકમ કોઈ ચોર ચોરી કરીને લઈ ગયો હતો.
આ સમગ્ર બનાવવા માટે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ધોરણસર તપાસ હાથ ધરી છે.