જોડિયા ગામમાં વાણિયાશેરીમાં રહેતાં નિવૃત્ત વૃદ્ધ તેના ઘરે પડી જવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરની જી. જી. હોસ્પિટલ પાસે બીમારી સબબ અજાણ્યા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જોડિયા ગામમાં આવેલી વાણિયાશેરીમાં રહેતાં ધનજીભાઈ રવજીભાઈ વ્યાસ (ઉ.વ.87) નામના નિવૃત્ત વૃધ્ધ ગત તા.18 ના ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો કેે.કે.ઝાટિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરની જી. જી. હોસ્પિટલ પાસે રખડતા ભટકતા 55 વર્ષના અજાણ્યા પ્રૌઢના પગમાં સડો થઈ ગયો હતો અને તાવ આવતો હોવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.