જામનગર શહેરમાં સ્મશાન પાછળ આવેલા સ્વામિનારાયણ નગરમાં રહેતાં ફોટોગ્રાફી અને દાંડિયાકલાસના સંચાલક યુવાને તેની માનસિક બીમારીથી કંટાળી જઈ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતાં અને ફોટોગ્રાફી તથા દાંડિયા કલાસ સંચાલક નિરવ અશોકભાઈ અગ્રાવત (ઉ.વ.35) નામના યુવાને સોમવારે સાંજના સમયે તેના ઘરે પાંચ વર્ષથી થયેલી માનસિક બીમારીની સારવાર ચાલુ હોવા છતાં બીમારીમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. શહેરના આશાસ્પદ યુવાનની આત્મહત્યાથી દાંડિયા કલાસીસ સંચાલકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવ અંગેની જયદીપભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી.સામાણી તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતક યુવાને પાંચ વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.