જામનગરના સાધના કોલોનીમાં રહેતાં યુવાન ઉપર તેના જ મિત્રએ નજીવી બાબતે બોલાચાલી કરી છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી અને કાલાવડ તાલુકાના માછરડા ગામે રહેતાં સાળાની હત્યા નિપજાવી સસરા અને પત્ની ઉપર હુમલો કર્યાના બનાવમાં રિબડાના શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બે દિવસમાં બે હત્યાના બનાવો બન્યા છે. જેમાં પ્રથમ બનાવ, જામનગરમાં સાધના કોલોનીમાં રહેતાં આસિફ અજીતભાઈ મન્સુરી (ઉ.વ.40) નામના યુવાન પર તેના મિત્ર અબ્દુલ વલીભાઈ તાયાણી નામના શખ્સે સામાન્ય બોલાચાલી કરી પેટના ભાગે છરી વડે હુમલો કરતા ગંભીર હાલતમાં સૌપ્રથમ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને પડી જવાના કારણે ઈજા થઈ હોવાનું જાહેર કરાયું હતું અને પ્રાથમિક સારવાર આપ્યા પછી ફરીથી ઘરે લઇ જવાયો હતો. દરમિયાન ઘરે પરત લઇ આવ્યા પછી આસિફ મનસુરીની તબિયત લથડતા તેને ફરીથી જી. જી. હોસ્પિટલમાં લઇ જવાતા જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું અને પડી જવાથી ઈજાના કારણે મૃત્યુને બદલે તેને છરીનો ઘા લાગ્યો હોવાથી મૃત્યુ થયાનું કારણ આપ્યું હતું.
હત્યાના બનાવ અંગેની જાણના આધારે પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફે મૃતકના સંબંધી પોરબંદરમાં રહેતા અખ્તરભાઈ શકુરભાઈ પીપરવાડિયાના નિવેદનમાં બે મિત્રો વચ્ચેના ઝઘડામાં અબ્દુલ વલીભાઈ દ્વારા આશિફ મન્સૂરી પર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હોવાનું જાહેર કર્યું હતું. ઉપરાંત હત્યાના બનાવને પડી જવાથી ઇજાના બનાવવામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ જાહેર કરાયું હતું. જે સમગ્ર બનાવને ધ્યાને લઈ પોલીસે જાતે ફરિયાદી બની આરોપી અબ્દુલ વલીભાઈ તાયાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજા બનાવ, કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતી તૃપ્તિબાના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડાનો વતની અને હાલ ગોંડલ તાલુકાના રીબડા ગામમાં રહેતો નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો હરપાલસિંહ ઝાલા સાથે થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હોવાના કારણે પત્ની તૃપ્તિબા રિસાઈને પોતાના માવતરે માછરડા ગામે આવી ગઈ હતી. દરમિયાન નોમના તહેવારના દિવસે પતિ નરેન્દ્રસિંહ ઝાલા માછરડા ગામે આવ્યો હતો અને તૃપ્તિબાના ભાઈ એટલે કે પોતાના સાળા ઇન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ.36) નામના યુવાન ઉપર હુમલો કરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઈને ઢળી પડયો હતો. આ વેળાએ સસરા શક્તિસિંહ જાડેજા તેમજ પત્ની તૃપ્તિબા ઝાલા છોડાવવા માટે વચ્ચે પડયા હતા. જેથી હુમલામાં તેઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા અને લોહી-લુહાણ થયા હતા.
આ સમગ્ર ઘટના પછી કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ. વી. પટેલ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે એલસીબીની ટીમ પણ બનાવના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં સારવાર અર્થે આવેલા તૃપ્તિબા ઝાલા અને તેના પિતા શક્તિસિંહ જાડેજાનાં નિવેદનો નોંધ્યા હતા. ઇજાગ્રસ્ત ઇન્દ્રજીતસિંહ જાડેજાને પણ બેશુદ્ધ અને લોહી નીતરતી હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તૃપ્તિબાના નિવેદનના આધારે તેણીના ભાઈ ઈન્દ્રજીતસિંહની હત્યા સંદર્ભે પતિ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો હરપાલસિંહ ઝાલા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.