દેશના વિકાસને સડસડાટ આગળ વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં વધુ ખર્ચ કરવાનો કેન્દ્ર સરકારનો ઝોક છે જયારે આવનારા વર્ષોમાં મલ્ટીસ્ટોરી માર્ગના નિર્માણથી માંડીને સેટેલાઈટ મારફત ટોલટેકસ કપાત કરવા જેવી યોજના છે અને તેની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતીન ગડકરીએ એવો દાવો કર્યો હતો કે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે 60 વર્ષમાં જેટલું કામ થયુ ન હતું તેટલુ 8 વર્ષમાં કરી દેખાડયું છે એટલું જ નહીં આવતા બે વર્ષમાં ભારતના નેશનલ હાઈવે પર અમેરિકી માર્ગોને ટકકર માટે તેવા હશે. આવનારો સમય ‘ઈલેકટ્રીક હાઈવે’નો હશે. આઠ વર્ષમાં 72000 કિલોમીટરના માર્ગો બન્યા છે. 22 ગ્રીનફીલ્ડ હાઈવેનું નિર્માણ થયું છે. 2.50 લાખ કરોડના ખર્ચે માત્ર સુરંગ પ્રોજેકટ થઈ રહ્યા છે.
અયોધ્યા, ચારધામ, બુધ્ધ સર્કીટ જેવા પ્રોજેકટો ચાલી રહ્યા છે. તેઓએ કહ્યું કે દેશમાં એક કરોડ લોકો સાયકલ રીક્ષા ચલાવીને લોકોનું વજન ખેચતા હતા. આ લોકોને ઈ-રીક્ષા અપાવવામાં આવી છે. 70 લાખ લોકો ઈ-રીક્ષા ચલાવી રહ્યા છે. બાકીના 30 લાખ પણ એક વર્ષમાં ઈ-રીક્ષા ચલાવતા દેખાશે. આવતા 25 વર્ષના ડ્રીમ પ્રોજેકટ વિશે તેમણે કહ્યું કે પાણીમાંથી હાઈડ્રોજન બને અને તેનાથી કાર, વિમાન અને રેલવેની ટ્રેનો દોડશે એટલું જ નહી, ફાર્માસ્યુટીકલ્સ, કેમીકલ્સ, મીકેનીકલ તથા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ પણ હાઈડ્રોજન આધારીત હોવાના સંજોગોમાં પ્રદુષણ ખત્મ થઈ શકશે. વાહનોના હોર્ન પણ બદલાવવામાં આવી રહ્યા છે. કર્કશને બદલે મધુર અવાજ હશે. તેમણે કહ્યું કે ટ્રાફિકની સમસ્યા દુર કરવા મલ્ટીસ્ટોરી માર્ગનું કામ શરૂ કરી દેવાયુ છે. પુનામાં માર્ગ ઉપર બે ફલાયઓવરનો પ્રોજેકટ છે. નાગપુરમાં માર્ગ પર ફલાયઓવર તથા તેના ઉપર મેટ્રો ટ્રેન દોડે છે. ચેન્નઈ, જોધપુરમાં પણ આવા પ્રોજેકટ હાથ ધરાયા છે.