જામનગરમાં ભીડભંજન મંદિરની બાજુની જગ્યામાં ગેરકાયદે મેળો ચલાવવામાં આવી રહ્યો છે. તેવી રજૂઆત સાથે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મહાનગરપાલિકા સંચાલિત શ્રાવણી મેળાના ધંધાર્થીઓએ વિરોધ દર્શાવ્યો છે અને ગેરકાયદે મંજૂરી વગર ચાલી રહેલો મેળો બંધ કરાવવા માટે જિલ્લા કલેક્ટર, કમિશનર, જિલ્લા પોલીસ વડા, વીજ અધિકારી વગેરેને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 16 દિવસ માટેના શ્રાવણી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મેળાના ધંધાર્થીઓ સબીરભાઈ અખાણી, નિલેશ મંગે વગેરે દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીએ તેમજ મહાનગરપાલિકાના કમિશનરની કચેરીએ તેમજ એસ.પી. કચેરીએ પહોંચી આવેદન આપ્યું હતું અને પોતાના ધંધાને ખૂબ જ અસરકર્તા રહે તેવા આ ગેરકાયદે મેળાને બંધ કરાવવા માટેની રજૂઆત કરી હતી.
આ ખાનગી મેળા વાળી જગ્યામાં જે સ્કૂલવાળું બિલ્ડીંગ છે, તેમાંથી જ ગેરકાયદે વીજ જોડાણ મેળવી લઈ મેળો ચાલુ કરી દેવાયો છે, અને છેલ્લા એકાદ વર્ષથી આ ગેરકાયદે મેળો ચાલી રહ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારનું ફાયર વિભાગનું એનઓસી મેળવાયું નથી. યાંત્રિક રાઇડ ચલાવવા માટેની કોઈ મંજૂરી મેળવવામાં આવી નથી, ઉપરાંત ઇલેક્ટ્રિક વિભાગનું એનઓસી કે કોઈ પણ પ્રકારનો વીમો નથી લેવાયો. પ્રાંત અધિકારીની કચેરી માંથી મેળા ચાલુ કરવા માટેનું પરફોર્મન્સ લાઇસન્સ પણ મેળવાયું નથી, અને સંપૂર્ણપણે ગેરકાયદે રીતે મેળો ચાલુ રાખીને મોટાપાયે પૈસાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જે મેળો તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
તેમજ ગેરકાયદે મેળો ચલાવનારા અને વીજ ચોરી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા મેળા સંચાલક યુનુસ નૂરશા શાહમદાર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી થાય, તેવી પણ માંગણી કરવામાં આવી હતી.