છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં 1,57,096 કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી છે. જે નાણાકીય વર્ષ 2020-21ની રકમ કરતા ઓછી છે.નાણાકીય વર્ષ 2020-21માં 2,02,781 કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2019-20માં 2,34,170 કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. 2018-19માં આ રકમ 2,36,265 કરોડ રૂપિયા હતી. 2017-18માં માંડી વાળવામાં આવેલ લોનની રકમ 1,61, 328 કરોડ રૂપિયા હતી.2017-18 થી 2021-22 દરમિયાન બેંકો દ્વારા કુલ 9,91,640 કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં વિલફુલ ડિફોલ્ટરો (ઇરાદપૂર્વક નાદાર જાહેર થયેલા)ની સંખ્યા 10,306 છે. નાણાકીય વર્ષ 2020-21માં સૌથી વધુ 2840 વિલફૂલ ડિફોલ્ટર હતાં. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં વિલફૂલ ડિફોલ્ટરોની સંખ્યા 2700 હતી.
2018-19માં આ સંખ્યા 2207 જ્યારે 2019-20માં 2469 હતી. ટોચના પાંચ વિલફૂલ ડિફોલ્ટરોમાં ગિતાંજલિ જેમ્સ, એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ, કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર, આરઇઆઇ એગ્રો લિમિટેડ અને એબીજી શિપયાર્ડનો સમાવેશ થાય છે. ભાગેડુ હીરાના વેપારીમેહુલ ચોકસીની કંપની ગિતાંજલિ જેમ્સે બેંકોને 7110 કરોડ રૂપિયા, એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગે 5879 કરોડ રૂપિયા, કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડે 4107 કરોડ રૂપિયા, આરઇઆઇ એગ્રો લિમિટેડે 3984 કરોડ રૂપિયા અને એબીજી શિપયાર્ડ લિમિટેડે 3708 કરોડ રૂપિયા ચુકવ્યા નથી. અન્ય વિલફુલ ડિફોલ્ટરોમાં ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ (3108 કરોડ રૂપિયા), વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી (2671 કરોડ રૂપિયા), રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ (2481 કરોડ રૃપિયા), કોસ્ટલ પ્રોજેક્ટસ લિમિટેડ (2311 કરોડ રૂપિયા) અને કુદોસ કેમી (2082 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.