મોંઘવારીના મારમાંથી હજુ રાહત મળી નથી ત્યારે રિઝર્વ બેન્ક આગામી દિવસોમાં વ્યાજદરમાં 0.25 થી 0.35 ટકાનો વધારો જાહેર કરે તેવી આશંકા વચ્ચે હોમ સહિતની લોન મોંઘી થઇ શકે છે. આગામી બુધવારથી રિઝર્વ બેન્કની ધિરાણ સમિક્ષા નીતિ માટેની બેઠક શરુ થશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મોંઘવારીને કાબૂમાં લેવા માટે રેપોરેટમાં વધારો થઇ શકે છે અને તેને કારણે ધિરાણ વધુ મોંઘુ થશે. ત્રણ દિવસની આ બેઠકનું પરિણામ 5 ઓગસ્ટે જાહેર થશે. એક વર્ગ 0.50 ટકા સુધીનો વધારો પણ થવાની શંકા વ્યક્ત કરી રહ્યો છે જ્યારે મોટાભાગના નિષ્ણાંતો 0.25 થી 0.35 ટકાનો વ્યાજદર વધારો થવાનું માને છે. આંતરરાષ્ટ્રીય નાણા નીધિએ પણ રિપોર્ટમાં એવો અંદાજ મુક્યો છે કે ભારત સહિતના એશિયાઈ દેશો મોંઘવારીને નિયંત્રણમાં લેવા માટે વ્યાજ દરમાં હજુ વધારો કરશે.