આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારે હાથ ધરેલાં ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત લોકોના હૃદયમાં દેશભકિતની ભાવના જગાડવા માટે બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલના છાત્રોએ આજે સવારે જામનગર શહેરમાં રણજીત રોડથી લાખોટા તળાવ સુધી તિરંગા જાગૃતિ રેલી યોજી હતી. રાષ્ટ્રધ્વજ લહેરાવતા અને દેશભકિતના નારા લગાવતા યોજાયેલી આ તિરંગા જાગૃતિ રેલીમાં સૈનિક સ્કુલના 60 કેેડેટસ અને 4 શિક્ષકો જોડાયા હતા. આ રેલીએ શહેરમાં આઠ કિલોમીટરની અંતર કાપ્યું હતું. છાત્રોએ રાષ્ટ્રધ્વજ સાથે એનસીસી ધ્વજ પણ વહન કર્યો હતો. માર્ગ પર વેપારીઓ તથા શહેરીજનોને આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાવવા માટે નાના રાષ્ટ્ર ધ્વજ આપ્યા હતા. રાષ્ટ્રધ્વજને સન્માનિત કરવાની સૈનિક સ્કૂલના છાત્રોની પહેલ અને ઉત્સાહને શહેરીજનોએ આવકાર્યા હતા.