બુધવારે EDએ શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ઘરે પણ દરોડા પાડ્યા હતા. EDને અર્પિતાના આ ઘરમાંથી પણ નોટોનો ખજાનો મળ્યો છે. EDએ આ ઘર પર લગભગ 18 કલાક દરોડા પાડ્યા હતા જેમાં 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળી આવ્યું હતું. આખી રાત નોટોની ગણતરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સોનાના દાગીના અને બિસ્કિટ પણ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ EDએ અર્પિતાના અન્ય એક ઘર પર દરોડા પાડ્યા હતા જેમાં તપાસ એજન્સી દ્વારા 20.9 કરોડ રૂપિયા રોકડા અને તમામ સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જીના બંને ફ્લેટમાંથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ અગાઉ બુધવારે સાંજે તપાસ એજન્સીઓની ટીમ કોલકાતાના બેલઘારિયા વિસ્તારમાં અર્પિતાના ઘરે પહોંચી હતી.
અને ફ્લેટની ચાવી ન હોવાને કારણે અધિકારીઓ તાળુ તોડીને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. તાળુ તોડ્યુ અને તપાસ અભિયાન દરમિયાન સાક્ષી પણ બોલાવવામાં આવ્યા હતા. અર્પિતા મુખર્જીના આ ઘરમાંથી જંગી રોકડ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. બેંકના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને નોટોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય કેટલાક પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. EDને તિજોરીઓમાંથી રોકડ પણ મળી આવ્યા હતા. બીજા ઘરમાંથી પણ જંગી રકમ મળ્યા બાદ નોટોની ગણતરી કરવા માટે 4 બેંકના કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા. 5 કાઉન્ટીંગ મશીન લગાવવામાં આવી હતી. ટોલીગંજમાં અર્પિતાના ઘરની જેમ અહીંના બેલઘરિયા ટાઉન ક્લબ હાઉસ સ્થિત ફ્લેટના વોર્ડરોબમાં પણ નોટોના બંડલ ભર્યા હતા. અહીં નોટોના બંડલ મળવાની ખબર બાદ ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. તપાસ એજન્સીઓના અધિકારીઓ દ્વારા ધરપકડ બાદ પાર્થ ચેતર્જીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેમની સતત શિક્ષણ ભરતી કૌંભાડ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. EDનું કહેવું છે કે, અર્પિતાના ઘરમાંથી મળેલું ધન શિક્ષણ ભરતી કૌંભાડ દ્વારા કમાવામાં આવેલી રકમ છે જે પાર્થ ચેતર્જીની છે.