Friday, January 10, 2025
Homeરાજ્યસલાયામાં કુખ્યાત શખ્સ દ્વારા છરી બતાવી પૈસા પડાવાતાની ફરિયાદ

સલાયામાં કુખ્યાત શખ્સ દ્વારા છરી બતાવી પૈસા પડાવાતાની ફરિયાદ

કુલ ત્રણ શખ્સો સામે ગુનો: બે ની અટકાયત

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક કુખ્યાત શખ્સ દ્વારા સ્થાનિકોને ભયમાં મુકવા છરી બતાવીને અને ઉઘરાણી કરતો વિડીયો બનાવી અન્ય બે શખ્સોની મદદગારીથી એક આસામી પાસેથી બળજબરીપૂર્વક રોકડ રકમ પડાવી લેવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની સલાયા મરીન પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત મુજબ સલાયામાં કોઈ શખ્સો સ્થાનિકોને છરીની અણીએ દબાવી, ધમકાવી અને રોકડ રકમ વસૂલતા હોવાની અંગેનો વિડીયો પોલીસના ધ્યાને આવ્યો હતો. આથી સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા આ અંગેની તપાસમાં વાયરલ થયેલા વિડીયોની ખરાઈ કરતા સલાયાનો રહીશ રિઝવાન રજાક સંઘાર નામનો શખ્સ હાથમાં છરી લઈ અને કોઈ વ્યક્તિને ધમકાવતો હતો. તેની સાથે બે અજાણ્યા શખ્સો હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું હતું.

આ અંગે પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં આ વિડીયો સલાયાના આબિદ અનવર ગજ્જણ અને તાલબ આમીન ભગાડ નામના બે શખ્સો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ બંને શખ્સોને બોલાવી અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં રિઝવાન રજાક સંઘાર દ્વારા આ બંનેને છરી બતાવી, ડરાવી-ધમકાવી અને સ્થાનિક લોકો તેનાથી ડરે અને ભયભીત થઈ અને પૈસા આપી દે તે માટે બનાવવામાં આવતો હતો. આરોપી રજાકને સલાયાના શાબીર અલીમામદ ભોકલ અને યાસીન અજીજ સંઘાર નામના બે શખ્સો મદદગારી કરતા હતા.

- Advertisement -

આ માટે રિઝવાન રજાક સંઘારની સૂચના મુજબ સ્થાનિક રહીશ રજાક ભંગારીયો નામના એક આસામીને છરી બતાવી અને આ છરી મારવા માટે ઉગામી અને ‘તારે જીવવું હોય તો રૂપિયા 50,000 આપવા પડશે’- તેમ કહેતા રજાક ભંગારીયો જિંદગીની ભીખ માંગતો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. આ પ્રકારે ઉપરોક્ત આરોપીઓ દ્વારા અન્ય એક ભોગ બનનાર આસામી રજાક હાજી મુસાભાઈ મોખાને પણ આ રીતે છરી બતાડી અને વારંવાર મારવા માટે ઉગામી, મોતનો ભય દેખાડી અને રૂા. 25,000 બળજબરીપૂર્વક કઢાવી લીધા હોવાનું પણ ખુલવા પામ્યું છે.

આ સમગ્ર બનાવવા અંગે સાલાયા મરીન પોલીસે સ્થાનિક હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ પોપટભાઈ ચૌહાણની ફરિયાદ પરથી રિઝવાન રજાક સંઘાર, શાબીર અલીમહમદ ભોકલ અને યાસીન અજીજ સંઘાર નામના ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 386, 448, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે શાબીર અલીમામદ અને યાસીન અજીજની અટકાયત કરી લીધી છે. જ્યારે રિઝવાન રજાક સંઘારને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular