આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા દેશના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદિવ્સ ભાગી ગયા છે.
રાજપક્ષેના વિરોધના 139 દિવસ પછી તેમણે રાજીનામું આપ્યું છે. આજે સંસદમાં તેમના રાજીનામા અંગે જાહેરાત થઈ શકે છે અને આની સાથે જ વચગાળાના રાષ્ટ્રપતિના નામની જાહેરાત પણ થઈ શકે છે. બીજી તરફ આજે હજારોની સંખ્યામાં શ્રીલંકન નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે આજે સવારે સંસદ ભવન તરફ કૂચ કરી હતી. શ્રીલંકાની હાલની સ્થિતિ માટે નાગરિકો રાષ્ટ્રપતિને જવાબદાર માની રહ્યાં છે. પરિણામે રાજપક્ષે સામે લોકોમાં જબ્બર રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી છે. જેને પગલે સમગ્ર દેશમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13 જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી. ગોટબાયા 8 જુલાઈ પછી કોલંબોમાં જોવા મળ્યા નહોતા. તેઓ મંગળવારે એટલે કે 12 જુલાઈએ નેવીના જહાજથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ પર સીલ લગાડવા માટે વીઆઇપી સુવિધા આપવાની ના પાડી દીધી હતી.
રાજપક્ષે જણાવ્યું હતું કે તેઓ દેશભરમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન અંગે બીજી સાર્વજનિક સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ અધિકારીઓ માન્યા નહીં. ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી. ત્યાર પછી આ શરત પ્રમાણે વ્યવસ્થા થતાં તે દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં સવાલ એ ઊઠે છે કે રાજપક્ષે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા છે? રાજપક્ષેએ 12 જુલાઈના દિવસે પોતાના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા અને વરિષ્ઠ અધિકારીઓને સોંપી દીધા હતા. આ લેટર 13 જુલાઈએ સંસદ સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનેને સોંપવામાં આવ્યો હતો.