દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રહેતાં ભાયા પરિવારનું 818 ટનની ક્ષમતાવાળુ વહાણ દુબઇ જેટી ઉપર લાંગરેલું હતું અને માલસામાન ભરીને બુધવારે સવારે નિકળવાનું હતું. પરંતુ, તે પૂર્વે જ મંગળવારે સાંજે અકસ્માતે આ વહાણમાં આગ લાગી હતી અને સદનસીબે 14 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, સલાયાના સલીમ હાજી ભાયા પરિવારનું વહાણ ‘ફૈઝે ગોસ મોયુદ્દીન’ જેના રજીસ્ટે્રશન નંબર બીડીઆઇ-1445 અને 818 ટનની ક્ષમતા વાળુ વહાણ દુબઇ જેટી ઉપર લોડ થયેલ હતું. જેમાં માલ સામાન ભર્યોે હતો. આ વહાણ આજરોજ નિકળવાનું હતું પણ અકસ્માતે મંગળવારે સાંજે વહાણમાં આગ લાગતા જેટી ઉપર અન્ય વહાણ હોઇ અને ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવા ભરપુર પ્રયત્ન કરતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ વહાણમાં 14 જેટલા ખલાસી હતાં જેનો બચાવ થયેલ હતો. વહાણમાં આગ લાગવાથી કેટલાનું નુકસાન થયું છે ? તેનો અંદાજ લગાવી શકાયો નથી. દુ:ખદ બાબત એ છે કે, આ જ પરિવારનું એક વહાણ થોડા દિવસો પહેલાં સળગી ગયેલ હતું અને હવે બીજું વહાણ સળગ્યું હોવાથી વહાણવટી ભાઈઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી.