જામનગર શહેરમાં અંધાશ્રમ પાસે આવેલ ચેમ્બર કોલોનીમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.6000 ની કિંમતની 12 બોટલ દારૂ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી તેના પુત્રની શોધખોળ આરંભી હતી. જામનગરમાં ઠેબા ચોકડી નજીકથી પોલીસે શખ્સને રૂા.5000 ની કિંમતની 10 બોટલ દારૂ અને મોબાઇલ મળી રૂા.8000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના દિ.પ્લોટ 65 વિસ્તારમાંથી બાઈક પર પસાર થતા બે શખ્સોને આંતરીને તલાસી લેતા પોલીસે તેમની પાસેથી રૂા.3000 ની કિંમતની 6 બોટલ દારૂ કબ્જે કરી ત્રણ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ પાસે આવેલ ચેમ્બર કોલોનીમાં રૂમ નં.100 માં રહેતાં પરેશ મધુસુદન ભટ્ટ નામના પ્રૌઢ શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી જીજે-10-સીજી-4535 નંબરના બાઈકની ડેકીમાંથી રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે પરેશ ભટ્ટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ધર્મેન્દ્ર પરેશ ભટ્ટ આપી ગયાંનું ખુલતા પોલીસે શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર નજીક આવેલા ઠેબા ચોકડી પાસેથી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટાફે મયુર ઉર્ફે મયલો કિશન રાઠોડને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલ અને એક મોબાઇલ મળી આવતા પોલીસે કુલ રૂા.8000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 65 માંથી પસાર થતા જીજે-10-સીઆર-6764 નંબરના એકસેસ બાઈકને આંતરીને આનંદ ઉર્ફે બકાલી ગુલાબ દામા અને કિશન મહેન્દ્ર ગોરી નામના બે શખ્સોને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.3000 ની કિંમતની 6 નંગ દારૂ મળી આવતા પોલીસે 30 હજારની કિંમતનું બાઇક અને રૂા.5500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.38,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જીજ્ઞેશ વિનોદ ખીચડાએ સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.