જામનગર શહેરમાં સાધના કોલોની આવાસમાં રહેતાં યુવાનની પત્ની અને માતા વચ્ચે ઘરકામ બાબતે ચાલતા ઝઘડાને કારણે કંટાળી જઈ તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતો યુવાન 49 દિગ્વીજય પ્લોટમાં આવેલ સ્કૂલ પાસે બેશુધ્ધ થઈ જતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સાધના કોલોની આવાસમાં ફલેટ નં.207 માં રહેતો વિશાલ વિનોદભાઈ ખુદાઇ વાલા (ઉ.વ.33) નામના યુવાનની પત્ની બિંદીયાબેન અને તેની માતા વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હોય જેથી જિંદગીથી કંટાળીને શુક્રવારે સવારના સમયે તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની પત્ની બિંદીયાબેન દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પટેલનગર શેરી નં.2 માં રહેતો અને મજુરી કામ કરતા સચિન કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ.38) નામનો યુવાન ગુરૂવારે સાંજના સમયે 49 દિગ્વીજય પ્લોટમાં આવી મેઘજી પેથરાજ સ્કુલ પાસેથી પસાર થતો હતો ત્યારે એકાએક બેશુદ્ધ થઈ પડી જતા સારવાર માટે અહીંની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ મહેશ દ્વારા જાણ કરાતા હેકો એમ.આર.ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.