જામનગર શહેરમાં રહેતા અને મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટર બેઈઝ નોકરી કરતા યુવાનના તેની સગીર પ્રેમિકા સાથે લગ્ન શકય ન હોવાથી બન્ને રાજકોટ ભાગી ગયા હતાં અને ત્યાં આજી ડેમમાંથી બન્નેના મૃતદેહો મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાં રહેતો અને મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઈઝ નોકરી કરતો કિરણ કમલેશ પરિયા (ઉ.વ.25) અને તેની સાડા 17 વર્ષની પ્રેમિકા ગઈ તા.21 ના રોજ ઘરેથી ભાગી ગયા હતાં. બાદમાં બન્નેએ રાજકોટના આજી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે મોડી સાંજે કિશાન ગૌશાળા પાસેથી કિરણની લાશ મળી આવતા આજી ડેમ પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશ બહાર કઢાવી હતી. આધાર કાર્ડના આધારે કિરણની ઓળખ મળી હતી. ત્યારબાદ તેની પ્રેમિકાની પણ ગુરૂવારે બપોરે આજી ડેમમાંથી લાશ મળી આવી હતી. જાણ થતા બન્નેના પરિવારજનો રાજકોટ દોડી આવ્યાં હતાં. કિરણ લાપતા બન્યા બાદ પરિવારજનો તેની શોધખોળ કરતાં હતાં. જ્યારે તેની પ્રેમિકાના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની જાહેરાત કરી હતી.
પોલીસની તપાસમાં એવું ખુલ્યું છે કે, કિરણની પ્રેમિકા સગીર હોવાથી બન્નેના લગ્ન શકય નહીં બનતા સજોડે જિંદગી ટૂંકાવી લીધી હતી. કિરણ બે ભાઈમાં નાનો હતો. તેના પિતા મજુરી કામ કરે છે. જ્યારે તેની પ્રેમિકા ત્રણ બહેનોમાં વચેટ હતી તેના પિતા ફ્રુટની લારી ચલાવે છે.