ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રોજમદાર કર્મચારીઓનું રૂા.950નું પગાર ધોરણ પરત ખેંચી રિકવરી કરવા અંગે કરવામાં આવી રહેલી કાર્યવાહી તાકિદે અટકાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી-અધિકારી મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતને મંડળના પ્રમુખ દિલિપસિંહ જેઠવાએ જણાવ્યું છે કે, બોર્ડના હજારો રોજમદાર કર્મચારીઓને છેલ્લાં 30 વર્ષથી દોલતભાઇ પરમાર કમિટી અન્વયે રૂા.950-1500નું પગાર ધોરણનો લાભ આપવામાં આવે છે. 30 વર્ષ બાદ સરકાર દ્વારા આ પગાર ધોરણ પરત ખેંચી રિકવરી કરવાની જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે રોજમદારો માટે પડયા પર પાટું સમાન છે. આ કાર્યવાહી નીતિ-નિયમોને નેવે મુકી કરવામાં આવી રહી છે. 30 વર્ષથી ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને 2006થી તેમના હકક હિસ્સા અને મળવા પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે છે.હાલમાં દોલતભાઇ પરમાર કમિટી અંતર્ગતના ઠરાવો અને પરિપત્રો તેમજ જોગવાઇના અભ્યાસ વગર બોર્ડના ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરી અન્યાયી રીતે રૂા.950નું પગાર ધોરણ પરત ખેંચી 30 વર્ષની રિકવરી કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને કારણે કર્મચારીઓ અને તેમના પરિવારોને માનસિક યાતના વેઠવી પડી છે. ત્યારે રોજમદાર કર્મચારીઓના હિતમાં આ કાર્યવાહી તાકિદે અટકાવવા માંગણી કરવામાં આવી છે.