જામનગર શહેરના આ કેસની હકીકત એવી છે કે, ચેતન અરુણભાઇ જોશીના ઘરે કોઇ હાજર ન હતું ત્યારે વિજ કંપનીના અધિકારીઓ દ્વારા તેમની ગેરહાજરીમાં તા. 24-4-2013ના રોજ ચેકિંગ કરવામાં આવેલ હતું અને ઘરના ફળિયામાં લાગેલ મિટર ખીટી ઉપર ટિંગાળેલ છે અને આડુ છે તેવા ખોટા આક્ષેપો કરી ચેકિંગ શીટ ભરી જતાં રહેલ હતાં. ત્યારબાદ ફરી પાછુ તા. 7-5-2013ના રોજ વિજ કંપની દ્વારા મીટર ઉતાવરામાં આવ્યું હતું. તે વખતે મીટરમાં કોઇ વાંધા જણાવેલ નહીં અને નવું મીટર લગાડવામાં આવ્યું હતું. તા. 21-5-2013ના રોજ મીટરનું લેબ રોજકામ કરવામાં આવેલ હતું. મીટરના લેબ રોજકામમાં પણ કાંઇ વાંધાજનક ન નિકળતા મીટર બરાબર માલુમ પડેલ હતું. તેમ છતાં તા. 5-6-2013ના રોજ વાદી ચેતનભાઇને વિજચોરીનું બીલ તથા કમ્પાઉન્ડીંગ ચાર્જની રકમ ભરપાઇ કરવાનું જણાવેલ હતું. અન્યથા કનેકશન કાપી નાખવાની ધમકી આપતા વાદીએ રકમ વાંધા સાથે ભરપાઇ કરેલ હતી અને ત્યારબાદ રકમ પરત મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. પ્રતિવાદીના સાહેદોની ઉલટ તપાસ તથા વાદી વકીલની દલીલો અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ વાદીનો દાવો ખર્ચ તથા વ્યાજ સહિત મંજૂર કરી ભરપાઇ થયેલ રકમ ભરપાઇ કર્યા તારીખથી વાર્ષિક 6 ટકા વ્યાજ સહિત પરત ચૂકવવાનો હુકમ કરેલ હતો અને આમ, સાચા અને ઇમાનદાર ગ્રાહકને સાચો ન્યાય મળેલ અને વિજચોરીના આક્ષેપોમાંથી મુક્ત કરેલ હતાં. વાદી તરફે વકીલ વસંત ડી. ગૌરી તથા દિપક એચ. નાનાણી રોકાયા હતાં.