જામનગર જિલ્લાના મોટા થાવરીયા ગામે નલ સે જલ અને હર ઘર જલ યોજના અંતર્ગત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પીવાના પાણીનો સંગ્રહ કરવા માટેની ઊંચી ટાંકી, ભૂગર્ભ ટાંકો અને પીવાના પાણી માટેની 14 કિમિ લાંબી પાઇપલાઈનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોટા થાવરીયા ગામના ખાત મુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે આ ગામમાં છેલ્લા અનેક સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. આજે કુલ રૂ. 84 લાખના ખર્ચે ગામમાં 1 ભૂગર્ભ ટાંકો, 1 ઊંચી ટાંકી તેમજ 14 કિમિ લાંબી પીવાના પાણી માટેની પાઈપલાઈનનું કામ મંજુર કરવામાં આવ્યું છે. આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે સમગ્ર ભારતમાં વર્ષ 2024 સુધીમાં દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરવાનું છે.
ગુજરાત રાજ્યમાં નલ સે જલ યોજના અંતર્ગત આ સમગ્ર કામગીરી ચાલુ વર્ષ 2022ના અંત સુધી પૂર્ણ કરવાની છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 16 જિલ્લામાં 100% દરેક ઘરે નળ જોડાણ છે. જામનગર જિલ્લામાં 4 તાલુકામાં 100% નળ જોડાણ છે. જિલ્લાના કુલ 1,42,084 ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં નળ જોડાણ નળ સે જળ કાર્યક્રમ હેઠળ આપવામાં આવ્યા છે. જયારે બાકી રહેતા 562 ગ્રામ્યઘરોમાં જુલાઈ 2022 સુધીમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વાસ્મો પુરસ્કૃત મોટા થાવરિયા ગામની પેયજળ યોજના અંતર્ગત સંપ (1.50 લાખ લીટર ક્ષમતા), 75 હજાર લીટર ક્ષમતા ધરાવતી ઉંચી ટાંકી, 14 કિલોમીટર લાંબી આંતરીક જળ વિતરણ પાઇપલાઇન, ધરે ધરે નળ જોડાણ, પંપ હાઉસ સૂચિત સંપ, પંપીંગ મશીનરી સૂચિત સંપ, વીજ જોડાણ, હાઇવે રોડ ક્રોસિંગ તથા ભીંત સૂત્રો વગેરે મળીને કુલ રૂ. 84 લાખના વિવિધ વિકાસ કામોને આવરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના ધુતારપર ગામે અંદાજિત રૂ. સાડા 6 લાખના ખર્ચે પિરવાળું તળાવના ખાત મુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એકમાત્ર સપનું છે કે ગામડા સમૃદ્ધ તો જ દેશ સમૃદ્ધ બનશે. આ સરકાર ખેડૂતોના પ્રશ્ર્નો અંગે હંમેશા ખુબ જ સક્રિય જોવા મળી છે. કુલ રૂ. 35 કરોડના નાના મોટા વિકાસકામોને તાત્કાલિક ધોરણે મંજૂરી પણ આપવામાં આવી છે. ધોળાસીયા ગામમાં પણ અત્યારે પૂરઝડપે કોઝ-વે પર નવા રસ્તાનું બાંધકામ ચાલુ છે.
આ બંને ગામના વિવિધ ખાત મુહૂર્ત પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજર ભાવિકબા જાડેજા, જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર ખાંટભાઈ, મોટાથાવરીયા ગામના સરપંચ કરસનભાઈ ચોવટીયા, ઉપસરપંચ દિગુભા, વાસ્મો ટીમના સદસ્યો અમીબેન, અલ્પેશભાઈ, આગેવાન ડાયાભાઇ ચીખલીયા, જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ, બેડી ગામના સરપંચ ભરતભાઈ, ધુતારપર ગામના સરપંચ રાકેશભાઈ, ધુતારપર ગામના ઉપસરપંચ પરેશભાઈ ભંડેરી, સૂમરી ગામના સરપંચ નિકુંજભાઈ, આગેવાન હસુભાઈ ખાચરા, હાર્દિકભાઈ કાછડીયા, અશોકભાઈ, મુકુંદભાઈ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.