જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા યુવકે તેની પેટના દુ:ખાવાની બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં સાધના કોલોનીમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતો અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના વતની વિજય વિરાભાઈ બારીયા (ઉ.વ.22) નામના મજૂરીકામ કરતા યુવકને જૂની પેટમાં દુ:ખાવાની બીમારી હોય આ બીમારીથી કંટાળીને રવિવારે દિવસ દરમિયાન જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની મૃતકના પિતા વિરાભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં સાધના કોલોનીમાં એમ-35 માં બ્લોક નં.3652માં રહેતાં ઘનશ્યામ રવજીભાઈ ચોવટીયા (ઉ.વ.36) નામના યુવાનને રવિવારે સવારના સમયે તેના ઘરે શ્વાસ લેવામાં તકલીફ થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એસ.એસ. દાતણીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.