જામનગરના નવાગામ ઘેડમાં ગઈકાલે મોડી રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થતા 35 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થતા રાજેશ જગદીશપ્રસાદ કૌશિક (ઉંમર વર્ષ 35)ને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. રાજેશને લોહીલુહાણ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા હુમલાની ઘટના હત્યામાં પરિણમી હતી. શનિવારે રાત્રે દસેક વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાથી નવાગામ ઘેડ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડી જઈ અને તપાસ હાથ ધરી હતી.
નવાગામ ઘેડ વિસ્તારમાં જ્યાં આ ઘટના બની એ સ્થળ પર એક બિનવારસી બાઈક મળી આવ્યું છે. રાજેશ પર હુમલો કરનારા લોકોનું આ બાઈક હોવાનું અને હુમલો કર્યા પછી તેઓ બાઈક છોડીને ભાગી છૂટ્યા હોવાનું પોલીસ માની રહી છે.