જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનની શરૂઆત સમયસર થઇ ગઇ છે તેમાં પણ ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડમાં સતત ત્રણ દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. બુધવારે પણ કાલાવડમાં વધુ એક ઈંચ પાણી પડયું હતું. ત્યારે જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ પડયો હતો.
હાલારમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષ કરતા આ વર્ષે સમયસર મેઘરાજાનું આગમન થઈ ગયું છે. હાલારના અમુક ગામોમાં તો શરૂઆતમાં જ વાવણીલાયક વરસાદ પડી ગયો છે. જામનગર શહેર અને જિલ્લામાં બુધવારે સતત ત્રીજા દિવસે વાદળછાયા હવામાન વચ્ચે અઢી ઈંચ જેટલું પાણી પડયાના અહેવાલ છે. જામનગર જિલ્લાના કાલાવડમાં બુધવારે સતત ત્રીજા દિવસે વધુ એક ઈંચ પાણી વરસ્યું હતું અને લાલપુરમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જ્યારે અન્ય તાલુકાઓ કોરા ધાકોડ રહ્યા હતાં. ઉપરાંત પીએચસીના આંકડાઓ મુજબ, મીની ચેરાપુંજી તરીકે ઓળખાતા જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં છેલ્લાં 24 કલાક દરમિયાન ધોધમાર અઢી ઈંચ વરસાદ પડયો હતો. તેમજ પીપરટોડા, ડબાસંગ, લાખાબાવળ, મોટા પાંચદેવડામાં ઝાપટાંરૂપે અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો તથા વસઇ, શેઠવડાળા અને ભણગોરમાં સામાન્ય ઝાપટા પડયા હતાં.