Sunday, December 22, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

ભાણવડમાં અડધો ઇંચ વરસાદ: ખંભાળિયામાં વીજપુરવઠો ખોરવાઈ જતાં નગરજનો ત્રસ્ત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. ખંભાળિયા તાલુકામાં રવિવારે વરસોલા વરસાદી ઝાપટા બાદ ગઈકાલે સોમવારે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. કાલે અસહ્ય ઉકળાટ અને બફારા ભર્યા માહોલ વચ્ચે ખંભાળિયામાં બપોરે બારેક વાગ્યે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને ત્રૂટક-ત્રૂટક વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.

- Advertisement -

ખંભાળિયા- સલાયા માર્ગ પરના સોડસલા, હરીપર, વિસોત્રી, સહિતના ગામોમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.
જ્યારે ભાણવડ પંથકમાં પ્રથમ વરસાદે સોમવારે મેઘ મહેર વરસી છે. ભાણવડ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ સાથે સરકારી ચોપડે અડધા ઇંચ જેટલો (15 મીમી) વરસાદ નોંધાયો છે. બરડા ડુંગર વિસ્તારમાં પણ ભારે ઝાપટા વરસ્યા હતા.

આ સાથે દ્વારકા તાલુકાના ઓખામંડળ વિસ્તારમાં આજે સવારે ઘટાટોપ વાદળો બાદ વરસાદ વરસ્યો હતો. જેમાં ઓખા નજીકના નાગેશ્વર, સુરજકરાડી, મીઠાપુર, હમુસર, વિગેરે વિસ્તારોમાં વિસેક મિનિટ સુધી વરસાદી ઝાપટા વરસ્યા હતા. જો કે દ્વારકામાં મેઘરાજાની ગેરહાજરી રહી હતી.

- Advertisement -

ગઈકાલે પ્રથમ વરસાદના પગલે વાતાવરણમાં થોડો સમય ઠંડક બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધ્યું હતું. ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના કેટલાક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું અને આજે ખુલ્લા આકાશ વચ્ચે રાબેતા મુજબ ઉઘાડ નીકળ્યો હતો.

સોમવારે વરસાદના પ્રથમ રાઉન્ડ વચ્ચે હળવા ઝાપટાં વરસતા ની સાથે જ ખંભાળિયા શહેરનો જુદા જુદા વિસ્તારોનો વીજ પુરવઠો લાંબો સમય સુધી ખોરવાઈ ગયો હતો. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં લોકો ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા અને વીજતંત્રની પ્રીમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

- Advertisement -

આ જ રીતે સુરજકરાડી અને ઓખા વિસ્તારમાં પણ ગઈકાલે બપોરના સમયે ચારેક કલાક સુધી વીજ વિક્ષેપ સર્જાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular