હિન્દુ પક્ષકારો તરફથી જ્ઞાનવાપી મસ્જિદમાંથી ’શિવલિંગ’ મળવાનો દાવો કરાયા પછી દેશમાં ફરી એક વખત મંદિર-મસ્જિદનું રાજકારણ ગરમાયું છે. એવા સમયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગુરૂવારે નાગપુરમાં કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મંદિરો અંગે કોઈ આંદોલન નહીં કરે. તેમના જ્ઞાનવાપી જેવા વિવાદોનો પારસ્પરિક સમજૂતીના માધ્યમથી ઉકેલ લાવવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની કોઈ જરૂર નથી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં આરએસએસના તૃતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગ સમાપન સમારંભમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે જ્ઞાાનવાપી વિવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કેટલાક સ્થળો પ્રત્યે આપણી વિશેષ શ્રદ્ધા છે અને આપણે તે અંગે વાત કરી, પરંતુ આપણે દરરોજ નવો મુદ્દો લાવવાની જરૂર નથી. આપણે વિવાદ શા માટે વધારવો જોઈએ? જ્ઞાાનવાપી પ્રત્યે આપણી શ્રદ્ધા છે અને તે મુજબ કંઈક કરી રહ્યા છીએ, પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે, ઈતિહાસ કોઈ બદલી શકે નહીં. જ્ઞાનવાપીનો એક મુદ્દો છે, તેને હિન્દુ-મુસ્લિમ સાથે જોડવો ખોટું છે. તે આજના હિન્દુઓ કે આજના મુસ્લિમોએ બનાવી નથી. ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો, આક્રમણકારીઓ તો બહારથી આવ્યા હતા. તે સમયે જે લોકો ભારતની સ્વતંત્રતા ઈચ્છતા હતા, તેમનું મનોબળ તોડવા માટે મંદિરો તોડવામાં આવ્યા હતા. હિન્દુઓ મુસ્લિમોના વિરોધમાં વિચારતા નથી. આજના મુસ્લિમોના પૂર્વજ પણ હિન્દુ હતા. પારસ્પરિક સમજૂતીથી વિવાદનો ઉકેલ ન આવે તો ન્યાયતંત્રનો જે આદેશ આવે તે માનવો જોઈએ.