જામનગરમાં દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાાની સમસ્યા રહે છે. ગત વર્ષે પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આવી સમસ્યા ફરીથી ન બને અને પાણીનો નિકાલ વહેલી તકે થઈ શકે તે માટે જામ્યુકોના કમિશનર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. રંગમતિ નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે કમિશનર દ્વારા જાત નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ તકે કમિશનરની સાથે સિટી એન્જીનિયર ભાવેશ જાની, એસ્ટેટ શાખાના રાજભા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી સિઝનમાં વધારે પડતો વરસાદ થાય ત્યારે પાણી ભરાવાનો પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે, અને અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા અગ્રતા આપવામાં આવી રહી છે, અને ગત 19.5.2022 થી સમગ્ર નદીને સાફ કરવાની યોજના અમલમાં મૂકી છે, જેના માટે જામનગરની જુદી-જુદી સહિત સ્વૈચ્છીક સંસ્થા ની મદદ લેવામાં આવી રહી છે, અને 11 જેટલા જેસીબી મશીનો ઉપરાંત અડધો ડઝનથી વધુ ટ્રેક્ટરો સાથે મોટાપાયે નદીની સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
બે સપ્તાહ દરમિયાન નદીની સફાઈનું કાર્ય કયાં સુધી થયું છે, તેમજ સફાઈ કામ બરાબર ચાલે છે કે નહીં, તેનું જાત નિરીક્ષણ કરવા માટે આજે મ્યુનિ.કમિશનર વિજય કુમાર ખરાડી સૌપ્રથમ વ્હોરના હજીરા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાની, સિવિલ શાખાના ઈજનેર ઊર્મિલ દેસાઇ, તેમજ સોલિડવેસ્ટ શાખાના રાજભા જાડેજા જોડાયા હતા.
કમિશનર દ્વારા વ્હોરાના હજીરા થી શરૂ કરીને ગુલાબનગર નવનાલા બ્રિજની નીચે, ઉપરાંત કાલાવડ નાકા બહાર ની નદી નો વિસ્તાર, પટેલ પાર્ક, આશીર્વાદ સોસાયટી, દિપ સોસાયટી, અને છેક લાલપુર બાયપાસ સુધીની પાંચેક કિલો મીટરની લંબાઈ ના રંગમતી નદીના વિસ્તારમાં કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું, અને જ્યાં સફાઇની કામગીરી બાકી છે, તે તમામ જગ્યાએ ચોમાસું શરૂ થાય તે પહેલાં નદીને સ્વચ્છ બનાવી દેવા ની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ખાસ કરીને વ્હોરાના હજીરા અને રંગમતી નદીના પટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સહિતના કચરા, તેમજ ગાંડા બાવળ એકત્ર થઇ ગયા હતા, જે સ્થળે સફાઈ કર્યા પછી નદી નું પ્રદૂષિત પાણી રોકાઈ ગયું હતું, જે હવે વહેતું થઈ ગયું છે, અને ધીમે ધીમે નદીનો માર્ગ પહોળો અને સમથળ થતો જાય છે.
સમગ્ર નદીમાંથી ગારબેજ કલેક્શન કરીને ટ્રેક્ટર મારફતે ગુલાબનગરના ડમ્પિંગ પોઇન્ટમાં ઠાલવવામાં આવી રહ્યું છે, ઉપરાંત કેટલાક ગાંડા બાવળ ના જથ્થાને નદીની સાઈડમાં એકત્ર કરીને તેનો નાશ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
આગામી દિવસોમાં વરસાદના કારણે રંગમતી નદીમાં વધારે પડતો પાણીનો પ્રવાહ આવે, તો ઝડપભેર દરિયામાં પાણી ચાલ્યું જાય, તે માટેની સાફ-સફાઈ ની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.