માત્ર રજીસ્ટ્રેશન કરાવીને ચૂંટણી સમયે જ પોતાની હાજરી પુરાવતાં અને ત્યારબાદ ગાયબ થઇ જતાં તેમજ ચુંટણી પંચની કોઇ પણ જોગવાઇઓ અને નિયમોનું પાલન નહીં કરતાં દેશના લગભગ 2100 જેટલાં રાજકિય પક્ષો સામે ચુંટણી પંચ આકરી કાર્યવાહી કરવા જઇ રહ્યું છે.
વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 2100 રાજકીય પક્ષો પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ રાજકીય પક્ષોએ ટેક્સ સહિત અનેક ગેરરીતિઓ આચરેલ છે. નિયમ મુજબ વાર્ષિક ઓડિટ પણ યોગ્ય રીતે થયેલ નથી. ઘણા એવા પક્ષો છે જે ચૂંટણીમાં થયેલા ખર્ચની વિગતો પણ આપી શક્યા નથી.
ભારતના ચૂંટણી પંચે બુધવારે જણાવ્યું હતું કે તે RP એક્ટ, 1951 ની કલમ 29A અને 29Cનું પાલન ન કરવા બદલ દેશમાં નોંધાયેલા 2100 થી વધુ નોંધાયેલા અને અપ્રમાણિત રાજકીય પક્ષો સામે પગલાં લેશે.
રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણી પૂરી થયાના 75 દિવસ અને લોકસભાની ચૂંટણી પૂરી થયાના 90 દિવસની અંદર ચૂંટણી ખર્ચની વિગતો આપવી જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા જણાવાયું છે કે, 2100 થી વધુ રાજકીય પક્ષોમાંથી 2056 એવા રાજકીય પક્ષો છે જે વાર્ષિક ઓડિટ એકાઉન્ટ ભરવામાં અસમર્થ છે. જેમાં કોઈ રાજકીય પક્ષે PANની માહિતી આપી નથી, તો કોઈએ બેંક ખાતા વિશે જણાવ્યું નથી.
આ સિવાય ઘણી એવી પાર્ટીઓ છે જેમણે ચૂંટણી પંચને જણાવ્યું નથી કે તેમણે દાન ક્યાંથી મળ્યું, તેમની પાસે કેટલી સંપત્તિ છે, કેટલો ખર્ચ થયો છે. ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર આવા પક્ષોની સંપૂર્ણ માહિતી મૂકી છે. ચૂંટણીમાં થયેલા ખર્ચની વિગતો ન આપનાર યાદીમાં કુલ 100 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.