આસામમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલાં ચોમાસા પહેલાંના અતિ ભારે વરસાદને કારણે નિર્માણ પામેલી ભીષણ પૂરની સ્થિતિએ ભારે તબાહી મચાવી છે. પૂરને કારણે દિમા જિલ્લાનું હાફલોંગ સ્ટેશન આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે. જેને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થઇ જતાં એક આખી ટ્રેન પાટા પરથી ઉથલી પડી હતી. જયારે અન્ય એક ટ્રેક પાણી અને કાદવમાં ફસાઇ ગઇ હતી.રાજ્યમાં અંદાજે 20 જિલ્લામાં બે લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામ અને પડોશી રાજ્યો મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં પણ કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. પૂર્વોત્તરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. દરમિયાન કાશ્મીરમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થિતિ કથળી છે. આસામમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે દીમા હસાઓ જિલ્લાનું હાફલોંગ સ્ટેશન આખું પાણીમાં ડૂબી ગયું છે. પૂરમાં ડૂબેલા આ સ્ટેશનનો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરના પાણીના વહેણના કારણે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેન પણ પાટા પરથી ઉથલી પડે છે. આસામનો ડીમા હસાઓ જિલ્લો દેશના બાકીના ભાગથી કપાઈ ગયો છે. અહીં સતત મૂશળધાર વરસાદના પગલે ભૂસ્ખલન થતાં રેલ માર્ગ અને રોડનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. અનેક રેલવે સ્ટેશનો બંધ થઈ ગયા છે. વધુમાં વિપરિત પરિસ્થિતિઓમાં રહેતા અંદાજે બે લાખથી વધુ લોકોનો રાજ્ય સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. પાણીના તીવ્ર વહેણના કારણે પૂલ અને રસ્તાઓ તૂટી ગયા છે. નદીઓનું જળસ્તર જોખમી સ્તરથી ઉપર ગયું છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ હોજઈમાં અંદાજે 78,157 લોકો અને કછારમાં 51,357 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. વર્ષના પહેલા પૂરથી 652 ગામો મુશ્કેલીમાં મુકાયા છે અને પૂરના પાણીથી 16,645.61 હેક્ટર પાક બરબાદ થઈ ગયો છે. આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોથી પૂરની આંચકાજનક તસવીરો સામે આવી છે. લોકોની મદદ માટે સૈન્યના હેલિકોપ્ટર્સ તૈનાત કરાયા છે. સાત જિલ્લામાં 55 રાહત છાવણીઓ શરૂ કરાઈ છે, જ્યાં 32,959 લોકોને આશ્રય અપાયો છે. વધુમાં વિવિધ અસરગ્રસ્ત જિલ્લાઓણાં 12 રાહત સામગ્રી કેન્દ્રો શરૂ કરાયા છે.ઉત્તર-પૂર્વીય ફ્રન્ટિયર રેલવેના જણાવ્યા મુજબ દિમા હસાઓમાં લુમડિંગ-બદરપુર સેક્શનમાં બે ટ્રેનોમાં 2,800 લોકો ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. હાફલોન્ગમાં લગભગ 15મી મેથી ભારે પૂર અને વરસાદના કારણે રોડ અને રેલવે ટ્રાફિક અટકી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી આ ક્ષેત્રમાં ભારે વરસાદનો અંદાજ છે. દરમિયાન કાશ્મીર ખીણના પર્વતીય વિસ્તારોમાં વર્ષના આ સમયમાં અસામાન્ય રીતે હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. ગુલમર્ગ સહિત કાશ્મીર ખીણના પર્વતીય વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. પરિણામે ગુલમર્ગ રિસોર્ટમાં પ્રવાસીઓએ ખુશનુમા વાતાવરણનો આનંદ માણ્યો હતો.